{મારી કોલમ 'અનુભવ-બિંદુ' માંથી... Dt. 02/10/2017}
"જીવનનું કપરું ચઢાણ અંતે તો અમૃતફળ આપે જ છે..."
વિશ્વનાં તમામ વિદ્વાનો હજારો વર્ષોથી કહેતા આવ્યા છે કે 'સત્ય એક જ છે.' લોકો તેને અલગ અલગ રીતે રજૂ કરે છે. એક કહેવત છે કે "There are many ways for going to the top of a hill, but the view is the same..."
જેનો અર્થ છે કે, 'પર્વત પર જવાના રસ્તા ઘણા છે, પરંતુ ઉપરથી દ્રશ્ય તો એક જ સરખું દેખાય છે.' તેમ સત્ય પણ કડવું અને કઠણ હોય છે, એવી જ રીતે પહાડ પર ચઢવું પણ સરળ નથી ધર્મનો માર્ગ, સુખ શાંતિનો માર્ગ પણ સરળ હોતો નથી. એજ કારણે કદાચ ભારતમાં મંદિરો, તીર્થસ્થાનો, મહાત્માઓના આશ્રમો મોટાભાગે પહાડો પર જ હોય છે. જેથી ત્યાં ફક્ત શ્રદ્ધાળુઓ જ જઈ શકે...
મહાપુરુષોના જીવનમાં પર્વત-પહાડોનો એક વિશેષ ઈતિહાસ રહ્યો છે. પર્વતોની ગુફાઓમાં, નદીઓના સંગમ પર બુદ્ધિ તિક્ષ્ણ બની જાય છે. ભગવાન શંકરનું હિમાલયના કૈલાશ પર્વત ઉપર જઈને રહેવું અથવા શ્રી કૃષ્ણનું બદરીનાથમાં જઈને તપાસ્યા કરવી,,,, આ બધું એ બતાવે છે કે સત્યનો માર્ગ, બુદ્ધત્વનો માર્ગ, પયગંબરીનો માર્ગ સરળ નથી. પહાડ અથવા એવરેસ્ટ પર ચઢવા માટે રસ્તા અલગ અલગ હોય શકે, તેમાં અડચણો પણ અનેક હોય શકે છે.
આવી રીતે જીવનમાં સફળ થવા માટે કાંઈક પામવા માટે અથવા સ્વર્ગમાં પોતાની સીટ અનામત કરવા-કરાવવા માટે થોડીક પ્રમાણભૂત વાત બધાને માટે જરૂરી છે. આ જરૂરી આધારને આપણે એક રસ્તો કહી શકીએ જેના પર વગર માણસનો ઉદ્ધાર થઈ શકતો નથી. સામાજિક ઉત્કર્ષ અને રાષ્ટ્રીય પ્રગતિ પણ થઈ શકતી નથી. રસ્તો ભલે જ્ઞાનનો હોય, કર્મનો હોય કે ભક્તિનો બધા રસ્તાઓમાં સત્યતત્ત્વતો એક સરખું જ રહેલું છે, બધા રસ્તાઓ એક જગ્યાએ જ મળવાના છે...
આજના સમયમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે તો સાથે સાથે તમામ લોકો પણ શોર્ટકટ અપનાવી જીવનમાં
હરણફાળ ભરવા ઇચ્છે છે.. આ અવળો અને ઉતાવળિયો માર્ગ અનેક પછડાટો આપે છે.. કુદરતનો નિયમ છે કે, પ્રકૃતિમાં કોઈ કામ માટે પારિતોષિક નથી મળતું અને કોઈ દંડ પણ નથી, ફક્ત કરેલા કર્મોનું પરિણામ હોય છે...
કુદરત રૂપી જજને ન તો આપણે ફોસલાવી શકીએ, કે ન તો પ્રભાવિત કરી શકીએ. "જે જેવું વાવશે તે તેવું લણશે" માણસ એક ને એક દિવસ જીવનમાં પોતાની જગ્યા તો પ્રસ્થાપિત કરે જ છે. સમયની સાથે બાથ ભીડીને ભાગ્યને વધાવતા આગળ વધનારને એક દિવસ તો મુકામ મળે જ છે. ભલે તે કઠણ અને કપરું ચઢાણ કરીને આવે છે પણ!! તે પોતાનું કાયમી સ્થાન બનાવી લે છે, કારણકે તે સત્યના માર્ગે આગળ વધ્યો હોય છે...
મનુષ્યને અભિમાન કરવું તો આવડવું જ જોઈએ, પરંતુ! જો અભિમાન ભૂતકાળનું રૂપ ધારણ કરે તો સર્વનાશનું કારણ બને છે અને જ્યારે તે ભવિષ્યકાળમાં ધ્યેય પ્રાપ્તિનું રૂપ ધારણ કરે તો તે પરમ હિતેષી બની જાય છે... જેવી રીતે નેપોલિયને કહ્યું હતું કે "ભગવાનમાં વિશ્વાસ રાખો, પરંતુ! પોતાના દારૂગોળાને સૂકવી નાખો, કારણકે ભીંના દારૂગોળામાં ભગવાન પણ આગ લગાડી શકતો નથી."
મનુષ્ય આજે પોતા-પણું ખોઈ બેઠો છે, સ્વાભિમાન લૂંટાવી ચૂક્યો છે, વિદ્વતા પણ ગુમાવી બેઠો છે, તેથી તેનું શોષણ હરેક જગ્યાએ થાય છે... થાકી હારીને બેઠેલો મનુષ્ય અવળું જ વિચારવાનો! તે બાગી થઈ જાય છે. ધીરજ ખોઈ બેઠેલો માનવી આખરી હથિયાર 'આત્મહત્યા' તરીકે અપનાવે છે. ભારતમાં રોજ કેટકેટલા લોકો પોતાનું જીવન આમ નાસીપાસ થઇ ટૂંકાવી નાંખે છે. ચોર્યાસી લાખ જન્મોનાં અંતે માનવજન્મ મળે છે તેને યોગ્ય માર્ગ ન મળતા માનવ પોતાની જાતને કીડી-મકોડાની જેમ પીસી નાંખે છે... ફરી એક વાર આજે તાતી જરૂર છે અને ફરી એક વાર આજે દુનિયા રાહ જોઈ રહી છે યુગ પુરુષનાં આગમનની... જે મનુષ્યને સાચ્ચો રસ્તો ચીંધે, જે સત્યતા પાથરી દુનિયાની કપટતાને બાળી નાંખીને નવો સૂર્યોદય કરી શકે...
©®Prof.Dr.Vaibhavi Trivedi
👉Image courtesy : Google
👉Divinity35.blogspot.com
👉Notice📖
The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language.....
No comments:
Post a Comment