Thursday, December 3, 2020

Facts about biryani / બિરયાનીનો ઈતિહાસ



              દુનિયાના તમામ મુદ્દાઓ અથવા વિવિધ વિચારધારાઓને લઈને વિશ્વમાં કેટલીયે લડાઇઓ અથવા વાદ-વિવાદો થાય, પરંતુ જ્યારે ડાઇનિંગ ટેબલની વાત કરવામાં આવે છે, ત્યારે એમ કહેવામાં આવે છે કે ડાઇનિંગ ટેબલ અને તેના પર પીરસવામાં આવતું ભોજન જાતિથી પર છે અને તેનો કોઈપણ ધર્મ નથી. આપણે આ વાત ઘણી વાર સાંભળી છે. સવાલ એ છે કે શું આ સત્ય છે? તો જવાબ ના આવે છે, ઓછામાં ઓછો બિરયાનીના કિસ્સામાં તો નહીં જ. બિરયાનીએ લોકોને ખાવા પીવાના શોખીન એવા લોકોને બે કક્ષાના કટ્ટરવાદી અને લિબરલોમાં પરિવર્તિત કર્યા છે.  કટ્ટરવાદીઓ માટે, હૈદરાબાદી બિરયાની એકમાત્ર બિરયાની છે, તે પછી જે કંઈ બાકી છે તે પુલાવ છે. બિરયાનીના શોખીન લોકો બોમ્બે અથવા પાકિસ્તાની બિરયાનીને મટન મસાલા રાઈસ માને છે, તેની સાથે જ તેઓને કોલકાતા બિરયાની પર પણ સખત વાંધો છે. આ લોકો માને છે કે બિરયાનીને એવી વસ્તુ કહેવી તે પાપ છે કે જેમાં બટાકા છે, હકીકતમાં તેને બટાકાવડા રાઈસ કહી શકાય...

👉 કેવી રીતે બિરયાની આપણાં ખોરાકમાં મહત્વનો ભાગ બની!! તેનાથી સંબંધિત રસપ્રદ ઇતિહાસ :

             દૂરથી આવતી બિરયાની સુગંધથી તે ખબર પડી જાય છે કે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝાયકેદાર છે. તેની સુગંધ એટલી Tempting હોય છે કે આપણું ધ્યાન આપોઆપ બિરયાની બનતી હોય તે તરફ જાય છે. બિરયાની એક મનમોહક સુગંધથી ભરપૂર સંપૂર્ણ ભોજન છે. એટલા માટે ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.

           આપણા દેશમાં દરેક રાજ્યની અલગ અલગ બિરયાની હોય છે. જેમ કે હૈદરાબાદી બિરયાની, બોમ્બે બિરયાની, લખનૌ બિરયાની, મુગલાઇ બિરયાની, કલકત્તા બિરયાની, સિંધી બિરયાની વગેરે.. બિરયાનીનો સ્વાદ જેટલો સ્વાદિષ્ટ છે એનો ઇતિહાસ પણ એટલો જ મજેદાર છે...

      બિરયાની ખાતી વખતે તમે પણ વિચાર્યું હશે કે બિરયાની ક્યાંથી આવી હશે!!? કોને વિચાર આવ્યો હશે!!? કોણે બનાવવાની શરૂઆત કરી હશે!!? તો જવાબ છે 'ઈરાન'. બિરયાની શબ્દ પર્સિયન શબ્દ 'બિરંજ બિર્યાન' પરથી આવ્યો છે. ચોખા કે ભાતને પર્શિયન ભાષામાં બિરિંજ કહેવામાં આવે છે અને બિર્યાનનો અર્થ રસોઈ બનાવતા પહેલાં જેને તળવામાં આવેલું હોય તે... 

📌   કયુ શહેર ભારતમાં બિરયાની માટે પ્રખ્યાત છે?

 👉 હૈદરાબાદ

         હૈદરાબાદ અનેક વસ્તુઓ માટે પ્રખ્યાત છે: તેના મોતી, તેની કુશળ કારીગરી, તેના નિઝામ્સ, તેની મસ્જિદો અને મહેલો, પરંતુ સૌથી અગત્યનું, તેની બિરયાની.. ભારતના અન્ય સ્થાનોથી વિપરીત, કાચા ચોખા અને માંસ પાણી અને મસાલા સાથે એક માટીના વાસણમાં ધીમે ધીમે અને કાળજીપૂર્વક રાંધવામાં આવે છે... એવું કહેવાય છે કે, ત્યાંના નિઝામનાં રસોઇયાને 77 જાતની બિરયાની બનાવવામાં મહારત હાંસલ હતી. અને તે રેસિપી તેઓ કોઈને જણાવતા ન હતા. આ બાબતે જો તેને પૂછવામાં આવતું તો તે એકાદ ingredients ઓછા જણાવતો જેથી પોતાના હાથે બનતી બિરયાનીનો ટેસ્ટ બીજું કોઈ બનાવી ન શકે અને રાજા તેને ક્યારેય નોકરીમાંથી બરતરફ ન કરી શકે... 
 
📌 મુમતાઝ મહલ અને બિરયાની :

              તેના ઇતિહાસને લગતી ઘણી વાર્તાઓ છે. પ્રથમ મુજબ, મુગલોએ તેને ભારતમાં બનાવવાનું શરૂ કર્યું હતું. તે એક સમયે શાહી ખોરાકનો ભાગ હતી. એવું કહેવામાં આવે છે કે મુગલ બાદશાહ શાહજહાંની બેગમ મુમતાઝ મહેલે તેના રસોઈયાઓને આ વાનગી બનાવવા માટે સલાહ આપી હતી... 

           એવું બન્યું કે, એકવાર મુમતાઝ તેની સેનાની બેરેક પર ગઈ, ત્યાં તેણે જોયું કે તેના સૈનિકો ખૂબ જ નબળા થઈ ગયા હતા. તેથી તેણે તેના રસોઈયાઓને સૈનિકો માટે સંતુલિત આહાર બનાવવાનું કહ્યું. ઘણા પ્રકારની વાનગીઓને નકારી કાઢ્યા બાદ બિરયાનીની પસંદગી કરવામાં આવી હતી... 

          તે શાહી રસોઈયા દ્વારા ચોખા અને માંસમાંથી બનાવવામાં આવી હતી.  બેગમના આદેશ બાદ સૈનિકોને બિરયાની પીરસવામાં આવવા લાગી. સમય બદલાતા આમાં કેસર અને અન્ય ભારતીય મસાલાઓ ઉમેરીને બિરયાનીનો હાલનો ટેસ્ટ આપવામાં આવ્યો. અન્ય દંતકથા અનુસાર, તુર્ક-મોંગોલના વિજેતા તૈમૂર તેને કઝાકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને 1398 માં ભારત લાવ્યો હતો...


👉 અરબ ઉદ્યોગપતિ અને બિરયાની :
 
           એક બીજી વાર્તા અનુસાર, એવું કહેવામાં આવે છે કે અરબ વેપારીઓ દક્ષિણ ભારતીય તટ મલાબાર કાંઠે બિરયાની લાવ્યા હતા. તામિલ સાહિત્યમાં 'ઓન સોરુ' નામની ચોખામાંથી બનેલી વાનગીનો ઉલ્લેખ છે. માંસ, ચોખા, ધાણા, મરી જેવા મસાલા ઉમેરીને બનાવવામાં આવેલી આ વાનગી સૈનિકોને ખવડાવવામાં આવતી... 

📌 લખનઉ બિરયાની ઉપર વાંધો :

          કટ્ટરપંથીઓનું માનવું છે કે લખનઉ બિરયાની એક પ્રકારનો પુલાવ છે જેમાં કેસર, ચોખાની ગુણવત્તા અને હળવા મસાલામાં તૈયાર કરાયેલું માંસ જ તેની ઓળખ છે. હાર્ડકોર ફૂડિઝ માને છે કે તમે બિરયાનીનો Aroma તો લઈ શકો છો, પરંતુ મસાલાના અભાવને લીધે તેમાં ફિક્કાપણું અનુભવાય છે...

 📌 કોલકાતા બિરયાની પર વાંધો

           કોલકાતાની બિરયાની લખનૌની બિરયાની કરતા થોડી જુદી અને મસાલેદાર છે પરંતુ ઇંડા અને બટાકાની તેની ઓળખ હોવાથી, જે લોકો અસ્સલ બિરયાની ખાવાના શોખીન હોય છે, તે આને બિરયાની માનતા નથી. આવા લોકો માને છે કે ઇંડા અને બટાકા ઉમેરીને તમે બીજું કઈ નહીં પણ બિરયાની સાથે મજ્જાક જ કરો છો... 

📌 થલાસરી બિરયાની વિશે પણ વિરોધાભાસ છે :

          કેરળની થલાસરી બિરયાની પણ  બિરયાની શોખીનોનો ગુસ્સો ભોગવે છે. તેમાં ચોખા લાંબા હોય છે અને તેમાં માંસને પણ રોસ્ટ કરીને ઉમેરવામાં આવે છે. બિરયાની થોડી ખાટી હોય છે, તેથી પણ લોકોને તે બહુ પસંદ પડતી નથી.

 📌 બોમ્બે બિરયાની સામે પણ વાંધો :

            તેને સ્વાદની દ્રષ્ટિએ પુલાવ કહેવું ખોટું નથી, તેમ અમુક લોકો માને છે. મસાલાઓ ઓછા હોય છે અને તેનો હળવો સ્વાદ હોય છે, તેથી બિરયાનીના શોખીન લોકોને તે વધુ પસંદ નથી... 

 📌 મુરાદાબાદી બિરયાની પણ વિવાદોમાં ઘેરાયેલી છે :

             મુરાદાબાદી બિરયાનીની વિશેષતા તેના મસાલા છે. જો તમે મુરાદાબાદી બિરયાની પર નજર નાંખો, તો તમે જોશો કે કાચા ભાતનો ઉપયોગ કરવામાં આવે છે, સાથે જ તેમાં ખાવાના રંગોનો ઉપયોગ નથી કરવામાં આવતો, તેથી તે પુલાવ જેવું જ લાગે છે વિવાદનું મૂળ તેનો નિસ્તેજ દેખાવ અને ફિક્કાપણું પણ છે... 

 📌 અંબુર બિરયાનીને બિરયાની કહેવું પાપ છે :

           જો વાત બિરયાનીની છે, તો આપણા માટે તમિલનાડુના પ્રખ્યાત અંબુર બિરયાનીનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે.  આ બિરયાનીમાં ઉપયોગમાં લેવામાં આવતા ચોખા નાના અને ખૂબ ભરાવદાર હોય છે, તેમજ દક્ષિણ ભારતીય મસાલાની છાપ વર્તાય છે, જે બિરયાની ઉત્સાહીઓને થોડા નિરાશ કરે છે અને તેથી તેઓ તેને બિરયાની લોબીની બહાર રાખે છે... 

 📌 ઇંડા અને વેજ બિરયાની જેવો કોઈ કોન્સેપ્ટ જ નથી :

           જે લોકો બિરયાની માટે પોતાનો જીવ આપે છે તેઓ ઇંડા અને શાકાહારી બિરયાનીનો ઉલ્લેખ કરવામાં જરાય કચવાટ અનુભવતા નથી, તે કોઈ દયા વિના કહેશે કે ચોખાની અંદર ઇંડા અથવા શાકભાજી નાખવાથી તે બિરયાની નહીં બને. આવા લોકોનું માનવું છે કે બિરયાનીમાં શાકભાજી અને ઇંડાની કોઈ કલ્પના જ કરી શકતું નથી.

 📌 કંઈક આવું જ પાકિસ્તાની બિરયાની સાથે પણ છે :

              બિરયાનીના હાર્ડકોર ચાહકો પણ પાકિસ્તાની બિરયાનીને શંકાની નજરે જુએ છે. તેઓ માને છે કે જ્યારે બિરયાની માટે કેસર, મસાલા, ચોખા અને માંસ પૂરતું છે, તો પછી તમે તેમાં સુકા મેવા (ડ્રાયફ્રૂટ) ઉમેરીને સ્વાદ કેમ ખરાબ કરો છો! બિરયાની જે પાકિસ્તાનના મોટાભાગના પ્રાંતોમાં બનાવવામાં આવે છે, તે એટલી રિચ હોય છે કે, ઘણીવાર જોવા મળ્યું છે કે બિરયાની શોખીનો તેનાથી દૂર જ ચાલ્યા જાય છે... 

          બિરયાની વિદેશથી ભારત આવી છે, પરંતુ આપણાં લોકોએ તેનો દિલથી સ્વીકાર કર્યો છે. ભારતમાં બિરયાની પ્રેમીઓની કમી નથી. દેશના દરેક ગલી, મહોલ્લા, રાત્રિ બજારો, લારીઓ, હોટેલ્સ વગેરેમાં તેનો સ્વાદ લઈ શકાય છે... 





👉©®Dr.Vaibhavi Trivedi 
👉Website : Divinity35.com
👉 Image courtesy : Google 














 

 

No comments:

ચોસઠ કળાઓ

ચોસઠ કળાઓ કલા એટલે અદભુત શક્તિ. સ્વભાવાનુંકૂળ આ શક્તિઓ સાધ્ય કરી શકાય છે પણ દેવની કૃપા હોવી તે પ્રાધાન્ય છે. अधिष्ठानं तथा कर्ता...