Writer : Prof.Dr.Vaibhavi Trivedi
Matushri shantaben arts college
उस सफरनामे की बात न करो जिसमें सफर न रहा
और उस शख्स से फरियाद मत करो,जो हमसफर न रहा।
"..ऐ परछाई.."
पास आके...ज़रा अहसास करा
"मुझे मेरे होने का"
मैं बरसों से बहती ही रही हूँ
वक़्त के गहरे दरिया में।
મારી પાસે યુનિક, શાર્પ અને અનબિલિવેબલ મેમરી પાવર છે.... મારી sixth sense પણ કાબિલે તારીફ કહી શકો એવી છે.... આવનારી મુસીબતો કે સારા સમાચારનો પૂર્વાભાસ અલગ લેવલ પર મને થઈ જાય છે...
જેના માટે હું ઈશ્વરનો આભાર માનું છું.... આજે હું આ દુનિયામાં છું તો એની પાછળ અગણિત કારણો હશે! મારી સાથે જોડાયેલો મારો પરિવાર મોટો થતો જશે, મેં વાવેલા સંસ્કારો વટવૃક્ષ બનશે, એક જનરેશન બીજી આવનારી જનરેશનને આ બધું પાસઓન કરશે.... એમજ તો કઈ થતું નથી !! ચા બનાવવા માટે પણ કેટલી બધી વસ્તુઓની જરૂર પડે છે, એવી જ રીતે હરેક વ્યક્તિ ઈશ્વરનો એક સંદેશ લઈને આવે છે. દુનિયાની મોહ-માયાજાળ માં ફસાઈ માણસ એનો ઉદ્દેશયુક્ત જન્મ ભૂલી જાય છે.... આ બધા સાથે બને છે... મારુ તારું, હું તું ની દશા-અવદશા માંથી આપણે બધા પસાર થઈએ જ છીએ... આ જ સ્વભાવ છે.....
મારો લાગણીશીલ સ્વભાવ મને માણસની ઓળખ કરવામાં ક્યારેક ગોથું ખવડાવી દે છે... કોઈ માટે માન થાય અને મારાથી બનતી બધી મદદ કરવા હું પ્રયત્ન કરું.. પણ! આ ભૂલ ભરેલું છે. તમારાથી જોડાયેલા સ્વજનો સિવાય ક્યારેય કોઈનાં માટે લેશ માત્ર વિચારતાં અટકી જવું.. બદલામાં સારા બે બોલ પણ આ દુનિયામાંથી મળવાના નથી...
મારા ચાઈલ્ડહુડની અનગીનત યાદો સંગ્રહાયેલી છે: જે હર હમેશ ઉજાગર થયા વગર રહેતી નથી.... લોકો કહે છે, પાસ્ટ એટલે જતો રહેલો ભૂલવા યોગ્ય સમય, જે ફરી ક્યારેય નથી આવવાનો.. પણ ! મને એ ફરી જોઈએ છે. મને ટાઈમ ટ્રાવેલ કરી ફરી એ સમય જે જન્મથી સાડાચાર વર્ષ સુધી મેં વિતાવ્યો એમાં પ્રવેશવું છે....
તીક્ષ્ણ યાદશક્તિને કામે લગાવું તો દોઢ થી બે વર્ષની હતી ત્યારની બધી movements મને યાદ આવે છે, Actually આંખ સમક્ષ રૂબરૂ દ્રશ્ય ખડુ થાય છે....
મારા સુપર હેન્ડસમ પપ્પા, Divine seer beautiful મારી મમ્મી.... અમારી ખૂબ મોટી કહી શકાય એવી હવેલી, મારા દાદાનો એ જાજરમાન રુત્બો.... "વલ્લભ સ્વીટમાર્ટ" થી આખા જામનગરમાં ઓળખાતી અમારી દુકાન...
મારી મમ્મીનાં લગ્ન થયા ત્યારે બધા કહેતા ઓહોહો સોનાનાં નળીયા કહી શકાય એવા ઘરમાં તમે દીકરી આપી...
મારી માઁ દેવીનું સ્વરૂપ, પગની પાની સુધીનાં લાંબા વાળ, તે ચાલે તો લોહી પગની પાનીએ ટસિયા દેતું ઉભરાઈ પડે એવો ગોરો વર્ણ... કપાળમાં કંકુનો ચાંદલો, લીલા કલરની સાડી અને લીલા કલરની કાચની બંગડીઓ સાથે સોનાની બંગડીઓની ઝાંય પડે અને ભરાવદાર ગોરા હાથની શોભા વધારે... એની સાડી પહેરવાની સ્ટાઇલ બધાથી અલગ, પ્રસંગોમાં બધા એને જોઈ રહે, એના પર બધું દીપી ઉઠે. આજે પણ હું જ્યારે રેટ્રો Songs સાંભળતી હોઉં તો મારા એ ઘરમાં મારી माँ પાસે પહોંચી ગયાની અનુભૂતિ થાય છે.
રસોઈમાં તો સાક્ષાત અન્નપૂર્ણા, મેં એની રસોઈનાં પણ એટલા વખાણ સાંભળ્યા છે: મારા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય તેને પૂછું કે રસોઇ કેવી બની છે !? જવાબ એવો આવે કે તારી મમ્મીની રસોઈ એટલી સરસ બનતી હતી તો તારામાં એ કલા આવે જ ને..... આજે પણ કોઈના મોઢે એમની વાત સાંભળું તો હૃદયમાં દેવીનાં દર્શન થાય... એકપણ ગુણ એવો નહિ કે મારી માઁ થી અળગો રહી શકે, સાક્ષાત દૈવીશક્તિ.... પારકા અને પોતાના બધા માટે તેના હૃદયમાં પારાવાર મમતા, લાગણી.... એનાથી થતું એ બધું કોઈના પણ માટે કરી છૂટે....
સમય એવો આવ્યો કે હવેલીનાં ભાગ પડ્યા.. નીચે મોટું ફળિયું અને ઘર, એટલું જ ઉપરનાં માળે, દીવાલ ભરતી બે સીડી એક જમણી તરફના ઘર માટે અને બીજી ડાબી તરફના ઘર તરફ જાય.. ડાબા ખૂણા ઉપરનો એક માળ અમારા ભાગે આવ્યો.. દાદરા ચડીએ એટલે એક પેસેજ આવે જેને કોર્ડન કરી રાખી હતી, મમ્મીની ગોઠવણ ખૂબ ચોકસાઈ પૂર્વકની હતી, એ જ ચોરસ ઓસરીમાં ડાબી બાજુએ ડામચીઓ રહેતો એટલે કે ગાદલા ગોદડાનો ઢગ, અતિ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છાપા એની બાજુમાં જ રહેતા... ઉંબરો વટીને અંદર જતા એક મોટો રૂમ અને ડાબી બાજુ એટલે કે ડામચીઆની એકદમ બરાબર પાછળની દીવાલે રસોડું... ઓરડામાં ચાર મોટી પડદા લગાવેલી બારીઓ, એની નીચે બે ખુરશી અને વચ્ચે એક ટેબલ ગોઠવાયેલું રહેતું. ત્યાંથી અંદર એક નવેરું હતું જેને સ્ટોરરૂમ કહી શકાય, એમાં અમારી બેગો, ટ્રંક એવું રહેતું.. ઓરડાની જમણી બાજુએ એક પલંગ રહેતો, એની બાજુમાં દીવાલમાં કરેલ ગોખલા જેવા ખાનામાં મારી મમ્મીનાં ભગવાન પડ્યા રહેતા, એક લોખંડનો કબાટ ત્યાં જ મુકેલો હતો... છત પર હુકમાં મારા માટે પ્લાસ્ટિકની દોરી વાળો લાકડાનો હીંચકો બાંધેલો રહેતો.... મારી માઁ નાં મારી માટેનાં સપનાઓ બહુ ઉંચા હતા, મને બહુ સારું શિક્ષણ આપી દુનિયામાં ક્યાંય પાછી ન પડું, એવી બનાવવી હશે..!!
એક બિલાડી હતી જે રાત્રે મારી બાજુમાં સુઈ જતી. એક નાનું સફેદ કૂતરું હતું, જે મારા નાના-નાના બુટ તોડી નાખતું હતું. બિલાડી આવતી જતી રહેતી પણ કૂતરું પાળેલું હતું પછી તે ક્યાં ગયું એ યાદ નથી.....
મારા દાદા મને મીનું કહી હુલામણા નામથી બોલાવતા, તેઓ કહેતા તું દાદાની લાકડી છો.... હું તો મારી મમ્મી પપ્પા ની પરી,,, ખૂબસુંદર ઘેર વાળા ફ્રોક જાતે બનાવી મમ્મી મને પહેરાવતી, ફોટા પડાવતી... અમે રાત્રે પિક્ચર જોવા જતા, પછી તળાવની પાળે મોડે સુધી બેસતાં. મમ્મી પપ્પા એકબીજાને ખૂબ પ્રેમ કરતા, એમની વાતો ખૂટતી જ નહીં.. મમ્મી મને વાતો કરતી કે તેઓ લગ્ન પછી આબુ ફરવા ગયા હતા, વાંદરો તેમના ગાંઠિયા લઈ ભાગી ગયો હતો... ----બધું જ યાદ છે મને... એકદમ યાદ છે...... મારા ભાઈજીનું ઘર ત્યાં પાસે જ હતું, પપ્પા મને ત્યાં લઈ જતા, હું મારા ભાઈજીને પણ દાદા કહેતી. તેમના ઘેર જઈ હું દરવાજો ખટખટાવતી અને કહેતી દાદા ખોલો !! એમના ઘેર એક પોપટ હતો, ભારે સમજદાર મને જોઈ બોલવા લાગતો 'મીનું-મીનું-મીનું' મારા ભાઈજી તરત દરવાજો ખોલી કહેતા - અરે, મીનું આવી !
મારી મમ્મીએ ભાભુને લખેલ પત્ર ભાભુએ મને વંચાવેલો-- ડાયરીમાં વચ્ચેનાં ભાગે ચાર કટકા થઈ ગયેલા, છતાં તેમણે સાચવી રાખેલો, કેમકે એ મારી માઁ એ લખેલો હતો,,,, તેમાં લખ્યું હતું "ભાભી લાલાભાઈને ભાઈ કહેવા વાળી બહેન આવી ગઈ છે..." અને બીજું ઘણું બધું ---- કે જે મારા જન્મ વખતે તેણે ભાભુને લખ્યો હશે....
અમારા રસોડા પાસેની બારીમાં એક રેડીયો પડ્યો રહેતો, રોજ વહેલી સવારે મમ્મી રસોડામાં ચા બનાવા જાય ત્યારે રેડીયો ચાલુ કરી દેતી, આકાશવાણીનું એ મિઠું-મધુરું મ્યુઝિક વાગતા હું જાગી જતી. પિત્તળના પ્રાઈમસ પર બધું બનતું. બપોરે પાપા જમવા આવે તો કોઈને કોઈતો સાથે હોય જ... પપ્પાની જમવા બેસવાની સ્ટાઇલ પણ મને યાદ છે... અમારી મીઠાઈની દુકાન પણ જોવાજેવી હતી... સોડમદાર મીઠાઈઓ મઘમઘતી હોય. મોટા ફ્રિજમાં દૂધ, છાશ, દહીં, બાસુંદી, રબડી બધું રહેતું, કાચના શૉકેસમાં અલગ-અલગ મીઠાઈઓની હારમાળા ગોઠવેલી રહેતી... દુકાનમાં એક હરિકાકા કામ કરતા, ખાખીચડ્ડી અને બનિયાન પહેરતા, તે દુકાનની સામે એક વખાર હતી તેમાં મીઠાઈઓ બનાવતા...
મમ્મી મને બરણી લઈ દુકાને છાશ લેવા મોકલી દેતી, અને હું અઢી/ત્રણ વર્ષની હેમખેમ પાછી ઘેર પહોંચી પણ જતી... ખબરનૈ રસ્તો કઈ રીતે યાદ રાખતી હોઈશ !
મને "ટ્વિન્કલ ઈંગ્લીશ મીડિયમ" સ્કૂલમાં બેસાડી હતી, મારા ટીચરનું નામ ઈન્દુમેમ હતું. બધી ગર્લ્સ લાઈટ બ્લ્યુ કલરનું પીનાફ્રોક પહેરતી, અને મને મમ્મી વ્હાઇટ શર્ટ અને લાઈટ બ્લ્યુ હાફ પેન્ટ કે જે બોયઝનો યુનિફોર્મ હતો તે પહેરાવતી, બધાથી અલગ.... સ્કૂલના ફંકશનમાં મેં સૌ પ્રથમવાર "ઢીંગલી તારા માંડવા રોપ્યા" સોંગ પર ડાન્સ કર્યો હતો... મને ડાન્સ કરવો ખૂબ ગમતો...
અમારા ઘરની બહારનાં રસ્તા પર નવરાત્રીમાં એક ગરબી થતી, બાજુનાં ઘરમાં રહેતા પુસ્કરકાકા એ ગરબી કરાવતા.. એ ગરબીની બાળાઓ અમારા ઘેર પ્રસાદ લેવા આવતી, મમ્મીને માતાજીમાં અખૂટ શ્રદ્ધા તેથી તેમને બોલાવતી, ફ્રૂટ્સ, મીઠા સાંટા અને કઢેલું દૂધનો પ્રસાદ હોય. એક છોકરી મહાકાલી બની હતી એ પણ અમારા ઘેર આવી, હું પલંગ પર સુતા સુતા રમતી હતી, અચાનક એ સ્વરૂપ જોઈ હું ડરી નહિ પણ ! એની સામે જ જોતી રહી, મમ્મી એ મને ખોળામાં બેસાડી કહ્યું "બેટા એ માઁ છે, જે જે કરો".... ત્યારથી આજ સુધી મને મહાકાળીનું આકર્ષણ વધતું જ રહ્યું છે, મારી માઁ એ મારો સાથ એક ક્ષણ માટે પણ છોડ્યો નથી....
એક વખત મમ્મી મને તેની સાથે આંગળી પકળીને લઈ ગઈ, એક જગ્યાએ અમે અંદર ગયા, ત્યાં બહારનાં બાકડા પર મને બેસાડી મમ્મી અંદર ગઈ, હું ક્યાંય સુધી બેઠાબેઠા પગ હલાવતી રહી. પછી એક બહેન ત્યાંથી પસાર થયા, મેં તેને પૂછ્યું ! મારી મમ્મી ક્યાં છે !? એ બહેને હસતા હસતા કહ્યું, તારે નાનો નાનો ભાઈ જોઈએ છે ને ! "મેં માથું હલાવી હા પાડી", તે બોલ્યા, એ લેવા ગઈ છે... એવી જબરી અને ખંતવાળી હતી મારી માંઁ... અને હું પણ એની જ પરછાઈ છું, તો સ્વાભાવિક રીતે એકદમ એનાં જેવી જ છું...
મને બધું બરાબર યાદ છે.... કોઈ માને કે ન માને પણ આ બધું મને એકદમ યાદ છે...
ભાઈના જન્મ બાદ મમ્મી થોડી બિઝી થઈ, પહેલા મને બસમાં સ્કૂલે મુકવા આવતી, રોજ સમજાવતી કે નગરનાં મોટા ગેટ પાસે બસ ઉભી રહે, ત્યાંથી રસ્તો ઓળંગીને સામે જ મારી સ્કૂલ, એક વખત મમ્મીએ બસ-કંડકટર ને સમજાવ્યું કે તમે મોટા ગેઈટ પાસે આને ઉતારી દેજો, એ સામે સ્કૂલે જતી રહેશે અને મને કંડકટરની સીટ પર બેસાડી દીધી, મારું સ્ટોપ આવ્યું, હું જોતી હતી કે મને અહીં ઉતરવાનું છે, પણ કાંઈ બોલી શકી નહિ, કન્ડક્ટર પણ ભૂલી ગયો. થોડેક આગળ જતાં તેની નજર મારા પર પડી, અચાનક બસ રોકી મને ઉતારી દીધી, અને કહ્યું, તું અહીંથી જતી રઈશ ને !!? મેં માથું હલાવી હા પાડી અને હું સ્કૂલે પહોંચી ગઈ... સાંજે મમ્મી લેવા આવી અને હું એને ચોંટી પડી, મમ્મીનાં ચહેરા પર સ્મિત સાથે એટલી ખુશી હતી કે એની નાની એવી દીકરી સલામત પહોંચી ગઈ હતી....... આ બધા મમ્મીનાં મારી માટેના ટાસ્ક લાઈફ લેશન સમાન હતા, કે હું જીવનમાં ક્યાંય ભૂલી ન પડું, પોતાનો રસ્તો ખુદ ગોતી કાઢું કોઈની હેલ્પ વગર.......
રાત્રે પપ્પા મારી બૂકલેટમાંથી મને રાઈમ્સ શિખવાડતા... "જોની જોની યસ પપ્પા" અને "ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર" આ બે તો હું બહુ સ્ટાઇલથી પપ્પા સામે ગાતી..
બધું મને યાદ છે, એકદમ યાદ છે.... અમારી શેરીમાં એક બહેન રહેતા તેમની પાસે હું ટ્યૂશનમાં જતી... હું એવી ગોળમટોળ હતી કે એ બહેન મને રમાડતા, માથું ઓળી પિન લગાવી દેતા... મમ્મી અમારા ઘરનું કામ પતાવી સામેના માળે દાદા-દાદી હતા ત્યાં પણ જતી, પપ્પા અગાસી પર એરોપ્લેન બતાવા લઈ જતા... મારા ભાઈ માટે માઁ-પાપાનાં બહુ બધા સપના હતા, એ પણ ગોલુમોલું હતો, પપ્પા તેને દુકાને લઈ જાય અને થળા પર બેસાડે, પોતે બાજુમાં ખુરશી પર બેસે, આખું ગામ જોતું જાય અને હસતા હસતા બધા કહેતા જાય નાનાશેઠ આવ્યા છે આજે તો !!... પાપાની છાતી ગજગજ ફુલતી, આવા રૂપાળા પોતાનાં વંશ ને આગળ વધતા જોઈ ક્યાં બાપની ગરદન ગર્વથી ઉંચી ન થાય !!!?? પાપા મને કહેતા ગુલાબજાંબુ લઈ આવ અને ભાઈને ખવડાવ, અને હું મારા નાના નાના હાથથી મારા ગોલું ભાઈ ને ખવડાવતી અને એ ચપચપ કરીને બધું ચાટીને ખાઈ જતો... રક્ષાબંધન પર અમારા ભાઈબહેનના રાખડી બાંધતા ફોટાતો મમ્મી અચૂક પડાવતી.... મને બધું યાદ છે, એકદમ યાદ છે....મમ્મીને મારા ભાઈને બલાછડીમાં ભણાવવાની બહુ ઈચ્છા હતી, એવું મારા નાની અવાર નવાર કહેતા....
ધીરે ધીરે સમય સંજોગ બદલાતા ગયા... નિયતિ એ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું.... !
એક દિવસ અચાનક જ પેલો પિત્તળનો પ્રાઈમસ કેરોસીન ભરેલો ફાટ્યો, આખા ઘરમાં આગની હોળી ખેલાઇ ગઈ, ક્ષણ વાર પહેલા હું જેના ખોળામાં બેઠી હતી તે મારી માઁ સતીમાઁ ની જેમ ભળ ભળ બળવા લાગી, મારાથી નાના બે ભાઈઓ, એક અઢી વર્ષનો અને એનાથી નાનો 9 મહિનાનો,,,, ----- જોર જોર થી હું રડવા લાગી ખુલ્લી રહેલી બારી પર ચઢીને હું કોઈને જણાવતી હતી કે અહીં કોક આવો, સામેની અગાસી પરથી લોકો જોવે પણ કોઈ આવે નહિ,,,, મારાથી નાનો ભાઈ હેબતાઈ ગયો, તે ભોળા સસલાની જેમ ધ્રૂજતો ખુરશીના ખૂણામાં ભરાઈ ગયો. પપ્પાએ આમથી તેમ ભાગદોડ મચાવી દીધી મમ્મીને બચાવા જતા તેઓ પણ ખૂબ દાજયા... મારું એ આક્રંન્દ ભરેલું રુદન મારા હૃદયનાં ધબકારને આજે પણ તેઝ કરી દે છે, મારા લોહીનું ભ્રમણ પુરપાટ ઝડપે દોડે છે........ એ દ્રશ્ય મારી નઝર સમક્ષ છે, અમારી બાજુમાં રહેતા પુસ્કરકાકા કોર્ડન તોડી ઘરમાં આવ્યા, મને અને મારા બંને ભાઈને તેડી તેઓ નીચે રહેતા લોકોનાં ઘરમાં મૂકી ગયા. અને પછી શું શું બન્યું એ ખબર નથી. નીચે વાળા માસીની ઓસરીમાં અમે ત્રણેય ભાઈ-બહેન બેઠા બેઠા હિબકે ચઢી રોતા હતા, એક ભાઈ મારા ખોળામાં અને બીજો મારી બાજુમાં ડરેલો લપાઈને બેઠેલો, આખું ગામ ભેગું થઈ ગયેલું. પપ્પાને નીચે લઈ આવ્યા, તેઓ મોટેમોટે થી -- 'ભારુ, ભારુ' ની ચીસો પાડી રડતા હતા. એબ્યુલન્સ આવી અને એક સ્ટેચર ઉપર જતા મેં જોયું, મને થયું મારી મમ્મીને એમાં નીચે લઈ આવશે ! તો હું જોઇશ.... પણ !!! મમ્મીતો રાખ થઈ ચૂકી હતી... ત્રણ કુમળા ફૂલ જેવા બચ્ચાઓને એકલા મૂકી મારી માઁ એ અનંતની વાટ પકડી... ઈશ્વરને જરાય દયા નહિ આવી હોય !!? નિયતિનાં ખેલ છે બધા. પોલીસ આવી, મારા ભાઈઓને પેલા માસી અંદર લઈ ગયા, અને હું સાડા ચાર વર્ષની હતી એટલે મારું બયાન લેવામાં આવ્યું.. હું પારેવડાની જેમ ફફડતી હતી, પોલીસે પોતાની ટોપી કાઢી નાખી મને પોતાની પાસે બોલાવી પૂછતાછની શરૂઆત કરી, પોલીસે એટલી વાર એકની એક વાત પૂછ પૂછ કર્યા કરી કે એ શબ્દસહ: મને મારા ઝહેનમાં યાદ રહી ગઈ...
પોલીસ ઓફિસરને સંતોષ ન થયો, એ મને ગાડીમાં બેસાડી પોતાનાં ઘેર લઈ ગયા. એમના ઘેર એક જુલો હતો, તેના પર મને બેસાડી પોતાની પત્નીને કહ્યું કંઇક નાસ્તો લઈ આવ, તેઓ એક વાટકીમાં ગાઠીયા લઈ આવ્યા, મને આપ્યા : મેં રડમસ અવાજે ના કહી.... પોલીસ ઓફિસરે પ્રેમથી મને એમની પત્નીનાં ખોળામાં બેસાડી ફરીથી જુબાની લીધી મેં જોયું હતું તે ફરી થી કહી દીધું......
જિંદગીનો ખેલ-તમાશો ખત્મ.............
પાંચ પાંચ જીંદગીઓ તબાહ..............
હેં ઈશ્વર તારા પરચાતો અપરંપાર છે ! કેમ ન આવ્યો તું મદદે !!? પણ ! આ જ નિયતિ હતી.. એ થવાનું જ હતું તો તે થઈને જ રહ્યું..... મારા પૂ.મોટામામા અમારી શોધમાં નીકળ્યા, કે મારા છોકરાઓ ક્યાં છે !? ---- હું પોલીસનાં ઘેર, મારો ભાઈ પાડોશીના ઘેર અને ત્રીજો ભાઈ બહુ રડતો હતો તો શેરીમાં કોઈક લઈ ગયેલું, ક્યાં ક્યાંથી અમને 'નાના નાની' એ શોધી કાઢીને ટેક્સી કરી પોતાના ઘેર લઈ ગયા....
હવે આટલી કુમળી વયમાં જેણે નજર સમક્ષ પોતાનાં માતાપિતાને આ હાલતમાં મૃત્યુ પામતાં જોયાં હોય, એમને માટે શું ઈશ્વર અને શું સમાજ!!??
આપવીતી ક્યારેય ખતમ થતી જ નથી... કલમમાં જોર હોવું ઘટે, મન પર કાબુ અને કઠણ કાળજું.... હું બહુ જ સ્ટ્રોંગ છું, મારી માઁ એ મને આવી બનાવી છે, કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવાની મારામાં તાકાત છે, કોઈના વગર દુનિયા અટકી પડતી નથી, અમારું જીવન પણ ચાલુ જ રહ્યું, ગમે તેવું ગયું પણ આજે અમે well settled છીએ... મારો એક દીકરો છે, જે ખૂબ જ હોશિયાર અને સમજદાર છે. મને સમજાવતો હોય કે "mumma આટલી બધી લાગણી સારી નહિ, તું જગતમાતા ન બન, કોઈને તારા emotions ની પરવા નથી, કોઈ શું કામ કરે !!? તું બધાને ખુશ નથી રાખી શકવાની.... કોઈની પરવા ન કર, તને ગમે એમ જ કર અને એમ જ જીવ...." --- મારા ભાઈની પત્ની પણ ખૂબ સુંદર, સુશીલ, સમજદાર છે. એણે પોતાનું ઘર ગોકુળિયું બનાવીને રાખ્યું છે... એનો પણ એક દીકરો છે, એ પણ ઈશ્વરનાં વરદાન સમો... માઁ-પાપા વગર એક સેકન્ડ પણ ન ચાલે એનેય...... કરાટેમાં માસ્ટર અને સૂર્ય જેવો તેજસ્વી....
કેમકે મારી માઁ નાં આશીર્વાદ અમને હજરાહજૂર રહ્યા છે...... હજીતો ઘણું ઘણું લખવાનું બાકી છે------ journey has begun------- આગળ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ક્રમશ: ભાગો આવતા રહેશે..... 🙏
©®Prof.Dr.Vaibhavi Trivedi
divinity35.blogspot.com
👉Notice📖
The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language.....
4 comments:
Really kaki very heart touching story... Really salute to you🙏🙏 Hope tmari jeva strong n bdhi paristhiti same ladi tejsvi bnie... 🙏🙏🙏
God bless you. ❤️🙌
આપે પોતાની દુન્યવી હકીકતો અને બાળપણનો જીવન સાથેનો સંઘર્ષ જેનું અદભુત વર્ણન પોતાની કલાથી સફરના મામા વર્ણવેલ છે.
આપના પાવરફુલ મેમરી પાવરથી પોતાના જીવનમાં બનેલી હકીકતો નું વર્ણન ખરેખર અલૌકિક રીતે કરવામાં આવ્યું છે પોતાના માતા પિતા ભાઈઓનું વર્ણનથી વાંચકોના રૂવાડાઉભા કરી દે તેવું વર્ણન છે. મા સરસ્વતી દેવી લેખન કાર્યમાં આપને ટોચના સ્થાને સફર કરાવે તેવી માને પ્રાર્થના સાથે god bless you 💐🌺🙏
Thank you for inspiring me in every step of my life... 🙏💐🙏
Post a Comment